Friday 19 January 2018

કવિતા - બોલાવે...

ગોધૂલિએ ગૌધનને માલધારીનો સાદ બોલાવે,
આ આગ વરસાવતા આભને વસુંધરાની ફરિયાદ બોલાવે,
ચાલને ભેરું એ પેલે મારગ તને તારાં ઘરની યાદ બોલાવે...

રસ તરબોળ છે અંધકારમાં ઘરતણાં એ ઓરડાં,
વસ્યાં જ્યાં કદીક સ્વપ્નો તારાં સ્વાંગ ધરીને ઉજળાં,
ભીની ઘણી માટીની સોડમ લેવાં તને વરસાદ બોલાવે,
ચાલને ભેરું એ પેલે મારગ તને તારાં ઘરની યાદ બોલાવે...

મિત્રોની સાથે મળીને તું હડીયાપટ્ટી જ્યાં કરતો હતો,
વંડા તો શું વગડાં ખૂંદીને ધમાચકડી જ્યાં કરતો હતો,
એ કસબો, એ ઊંબરો, એ જ મંદિરનો પરસાદ બોલાવે,
ચાલને ભેરું એ પેલે મારગ તને તારાં ઘરની યાદ બોલાવે...

જે સંકુલના પ્રાંગણમાં તે જીવનના પાઠ ભણ્યાં હતાં,
આજે જ્યાં ડગ સ્થિર છે એ શિખરના પાયા તે જ્યાં ચણ્યાં હતાં,
શાળાના એ ડંકાનો રણભેરીસમો નાદ બોલાવે,
ચાલને ભેરું એ પેલે મારગ તને તારાં ઘરની યાદ બોલાવે...

ત્યાં કદી કોઈ એક ચહેરો સામી બારીએ વસતો હતો,
દર્શનકાજે  જે નયનોના તું મેડી ઉપર ચડતો હતો,
કુમુદિની સાડી સરીખાં ચહેરાનું એ માદ બોલાવે,
ચાલને ભેરું એ પેલે મારગ તને તારાં ઘરની યાદ બોલાવે...

તારે માથે છત્ર રાખતાં એ હાથની ચામડી હવે ચીમડાઈ,
ચૂલો ફૂંકાવતી, રોટલો ઘડાવતી, એ આંખો હવે છે ભીંજાઈ,
એ બાપનો સ્પર્શ 'આભાસ', એ માના હાથનો સ્વાદ બોલાવે,
ચાલને ભેરું એ પેલે મારગ તને તારાં ઘરની યાદ બોલાવે.

કવિતા - બોલાવે...

ગોધૂલિએ ગૌધનને માલધારીનો સાદ બોલાવે, આ આગ વરસાવતા આભને વસુંધરાની ફરિયાદ બોલાવે, ચાલને ભેરું એ પેલે મારગ તને તારાં ઘરની...