Tuesday 24 January 2017

લેખ - સંબંધોના તાણાંવાણાં

યુવાની, શબ્દ જ કંઈક અલગ જૂસ્સા, અલગ ઉમંગથી ભરેલો છે. યુવાની, બાળકો માટે એક સ્વપ્ન છે તો વૃદ્ધો માટે કંઈ-કેટલીય મીઠી યાદોનો દરિયો! યુવાની, એ મનુષ્યજીવનમાં બાળપણ અને વૃદ્ધાવસ્થાની વચ્ચેનો તબક્કો છે. જેમ મધ્યાહ્નના સૂર્યનું તેજ સૌથી વધુ હોય છે, તેમ આ યુવાનીનું તેજ પણ મનુષ્યના જીવન પર સૌથી વધુ પડે છે. કારણ કે, કાં તો મનુષ્ય યુવાનીમાં પોતાના માતા-પિતા, પરિવાર અને દેશ પ્રત્ત્યેની પોતાની ફરજો પુરી કરવાનું શીખે છે અથવા તો તેના આ તેજસ્વી સૂર્ય પર વ્યસન, વ્યભિચાર જેવાં  દુર્ગુણોનું ગ્રહણ લાગી જાય છે. એક પંક્તિ છે ને યુવાનો માટે કે,

    चट्टानों से टकराये वह तुफ़ान | तुफ़ानों से टकराये वह युवान ||

યુવાનીમાં પ્રવેશી રહેલા વ્યક્તિમાં શારીરિક ઉપરાંત ઘણાં માનસિક ફેરફારો પણ આવે છે. તેની રહેણી-કરણી, વિચારસરણી, દુનિયાને જોવાનો તેનો દૃષ્ટિકોણ બધું જ બદલાય છે. આમ જોવા જઇએ તો, વ્યક્તિ ક્યારેય એકલો જ બાલ્યાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતો નથી. તેની સાથે પ્રવેશે છે તેના સ્વપ્નો, તેની ઈચ્છાઓ, કંઈક કરી છુટવાનું જોમ; અને સાથે જ પ્રવેશે છે જીવન જીવવાની સ્વતંત્રતા. આ મનની ઉમંગો, તરંગોનું જ પરિણામ હોય છે કે જેથી શાળા-કૉલેજમાં ભણતું કે આડોશ-પાડોશમાં રહેતું કોઈ વિજાતીય પાત્ર ગમવા લાગે છે; અને આ યુવાનીમાં મળતી સ્વતંત્રતા જ છે, જે આપણો એમની સાથેનો સંબંધ નક્કી કરે છે.

સંબંધો. મનુષ્યજીવન દરમિયાન આપણે કંઈ કેટલાંય વ્યક્તિઓ સાથે સંબંધોમાં જોડાઈએ છીએ. માતા-પિતા, ભાઈ-બહેન, કાકા-કાકી, દાદા-દાદી, મામા-મામી વગેરે જેવાં કૌટુંબિક, લોહીના સંબંધો આપણને જન્મતાની સાથે જ મળે છે. જ્યારે મિત્રો, પ્રિયપાત્ર, ગુરુજનો સાથેના સંબંધો આપણે આપણાં જીવનકાળ દરમિયાન બાંધીએ છીએ. એમાં પણ યુવાની કે તરુણાવસ્થા એ એવો કાળ છે કે જેમાં આવા સંબંધો સરળતાથી બની જાય છે. પરંતું જો ધ્યાનથી સાચવવામાં ન આવે તો આ સંબંધો એટલી જ સરળતાથી તૂટી પણ શકે છે. આ દરેક સંબંધ પહેલાં તો માત્ર એક લગાવ કે એક આકર્ષણ જ હોય છે. આ આકર્ષણ એ ચાકડાં પર ફરતાં માટીના પીંડા જેવું હોય છે. જેને કુંભારની માફક ખૂબ નાજૂકતાથી મઠારીને, સાચવીને, ઘાટ આપવાનો હોય છે; એક નક્કર ઘડાનું સ્વરૂપ આપવાનું હોય છે. જેથી એના દ્વારા આપણે જીવનરસના ઘૂંટ પી શકીએ. એટલે કે આ આકર્ષણ કે લગાવ જ હોય છે જે આગળ જતાં આપણો એમની સાથેનો ઘડારૂપી સંબંધ બને છે, અને અંગ્રેજીમાં એક કહેવત છે ને, The chain is as strong as its weakest link”. એ પ્રમાણે આ આકર્ષણની માત્રા એ આપણાં સંબંધોની મજબુતાઈ નક્કી કરે છે. જેમ પારસ્પરિક સ્નેહ અને સમજણની કડીઓ મજબૂત તેમ સંબંધ પણ મજબૂત.

            યુવાવસ્થામાં બાંધેલાં સંબંધો જીવન ઘડતરમાં અગત્ત્યનો ભાગ ભજવતા હોય છે. હોસ્ટેલમાં, માતા-પિતાની ગેરહાજરીમાં જે મિત્રોએ આપણને દરેક પરિસ્થિતિમાં સાચવ્યો હોય એવો મિત્રતાનો સંબંધ કે પછી સ્કૂલ કે કૉલેજના એ પ્રિયપાત્ર સાથેનો સંબંધ જે કદાચ મિત્રતા અને પ્રેમના મુકામેથી આગળ વઘીને છેવટે પરિણયમાં પરિણમ્યો હોય; દરેકનું પોતાનું આગવું મહત્ત્વ છે. આ સંબંધો જ હોય છે, જે આપણાં જીવનની દશા અને દિશા નક્કી કરે છે. કહેવાય છે ને,You are an average of the five people you spend the most time with.

          આરુષ જ્યારે 5 – 7 વર્ષનો હતો ત્યારે બહુ પ્રમાદી હતો. તેમજ એનું વ્યવહારિક જ્ઞાન પણ ઓછું હતું. આથી મમ્મી-પપ્પા બંને તેને દરેક વાતમાં ટોકતા, સમજાવતા. આરુષને એ સમયે આ બાબતનો કોઈ વાંધો પણ ન હતો કેમ કે, તેને પોતાની નબળાઈની જાણ હતી. જ્યારે આરુષ 17 - 18 વર્ષનો થયો ત્યારે એનો સ્વભાવ બદલાઈ ચુક્યો હતો, છત્તાં પણ તેના મમ્મી-પપ્પાએ તેને સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ખરાબ સંગતિથી બચવા આવારા મિત્રોના બહુ સંપર્કમાં ન રહેવું, કૉલેજમાં લેક્ચર ભરવા વ્યવસ્થિત કપડાં પહેરીને જવું જેવી બાબાતોમાં સલાહ આપવાનું ચાલું જ રાખ્યું. કારણ કે, મમ્મી-પપ્પા માટે તો તેમના પુત્રની સલામતી અને સમાજમાં તેની છાપ મહત્ત્વની હતી. પરંતું આરુષને આ વાતનું ભાન ન હતું. તેને મન તો એવું જ હતું કે તે હવે મોટો થઈ ગયો છે અને પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. તે આ વાતથી અજાણ હતો કે તરુણાવસ્થા કુમળા છોડ જેવી જે તરફ વાળો એમ વળે તેવી હોય છે. તે રોજ-રોજના સલાહ-સૂચનોથી કંટાળી ગયો હતો. રોજની ટોક-ટોક સાંભળને એનો અહમ્ ઘવાઈ રહ્યો હતો. તેના પોતાના મમ્મી-પપ્પા સાથેના સંબંધો દિવસે-દિવસે બગડી રહ્યાં હતાં. છેવટે એણે નિશ્ચય કર્યો અને ઘરેથી ભાગી ગયો.

            મિત્રો, સમાજની અંદર આવા ઘણાં બધાં આરુષ છે, જેમને પોતાના માતા-પિતાની વાતે વાતે સમજાવવાની આદત પસંદ નથી. કારણ કે, આજનો યુવાન પોતાને મોડર્ન સોસાયટીના દ્રષ્ટિકોણથી જૂએ છે. હું એ બધાં યુવાઓને વિનંતી કરું છું કે એકવાર પોતાને એ વૃદ્ધ આંખોથી પણ જોઈ લે, જે તેમને જીવનમાં સફળ થતાં જોવાં માટે તરસી રહી છે. પછી કદાચ એમને પોતાના માતા-પિતાની ભાવનાઓની કદર થશે. તેમને સમજાશે કે મમ્મી-પપ્પાએ કહેલી દરેક વાત આપણી ભલાઈ માટે જ હોય છે. અને જો તેમ છત્તાં પણ ન સમજાય તો મમ્મી-પપ્પાની સલાહ પર પહેલાં મોં અને પછી સંબંધ બગાડવાં કરતાં હા મમ્મીકેહા પપ્પા તો કહી જ શકાય. વાત ત્યાંથી આગળ વધે જ નહિ અને માતા-પિતાને પણ સંતોષ થાય કે દીકરો / દીકરી આપણું કહ્યું સાંભળે છે. આ વાત ફક્ત માતા-પિતા અને સંતાનના જ નહિ, પરંતું દરેક સંબંધમાં સમાન રીતે લાગુ પડે છે. ઘણી વખત એવું બને છે કે પતિ-પત્ની વચ્ચે સાવ નાની વાતમાં થયેલો ઝઘડો બહુ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને વાત કૉર્ટ સુધી પહોંચી જાય છે. આવે વખતે જો પતિ પોતાનો અહમ્ કે પત્ની પોતાની જીદ છોડી દેત, તો કદાચ વાત ઘરમાં જ શમી જાત. માટે આજના યુવાનોને સમજવું જોઈએ કે કોઈકવાર સામેવાળી વ્યક્તિની ખુશી માટે પણ નમતું જોખી લેવાય. આ વાતનો પણ એક અલગ જ આનંદ છે.

          યુવાનીમાં સૌથી આહ્લાદક અને સૌથી વધુ વખત બંધાતો (અને તૂટતો!) કોઈ સંબંધ હોય, તો તે પ્રેમસંબંધ છે! પ્રેમ, છે તો ફક્ત અઢી અક્ષરનો શબ્દ પરંતું પોતાની અંદર આખું જગ સમાવી લે છે. જેમને સાચો પ્રેમ થયો છે, તેઓ પણ તે લાગણીને શબ્દોમાં વર્ણવી શકતાં નથી. કારણ કે પ્રેમ કરવો કદાચ સહેલો છે, પરંતું નિભાવવો ઘણો મુશ્કેલ છે. આજના મોટાભાગના તરુણો ફક્ત સમય પસાર કરવા પ્રેમ કરે છે. કદાચ એટલે જ એમનો પ્રેમસંબંધ બહુ ટકતો નથી. સ્કૂલ કે કૉલેજમાં ફક્ત જોવાથી કોઈ વ્યક્તિ ગમી જાય તો તેને પ્રેમ સમજી બેસે છે અને એ વ્યક્તિની ભાવના જોયા વિના એકરાર પણ કરી નાખે છે. સામેથી જો હા આવે તો તો વાંધો નહિ પરંતું જો ના આવે તો બાજી બગડે છે. યુવાનીના જોશ અને નાદાનીમાં તેઓ પોતાનું અથવા સામેની વ્યક્તિનું અહિત કરી બેસે છે. આજના યુવાનોએ આ બાબત સમજવી જોઈએ કે કોઈને પ્રેમ કરવો અને એથી પણ વધુ કોઈનો પ્રેમ પામવો એ સહેલી વાત નથી. એના માટે ધૈર્ય અને ખંત જોઈએ. પહેલી નજરનો પ્રેમ એ ફક્ત એક વ્હેમ જ છે! કેમ કે, એક જ નજરમાં વ્યક્તિના વ્યક્તિત્વનું અનુમાન લગાવવું શક્ય નથી. એક નજરમાં ફક્ત એનું રૂપ નિહાળી શકાય અને રૂપ સાથે થયેલો પ્રેમ મોટેભાગે રૂપ સાથે જ જતો રહે છે. વ્યક્તિના વ્યક્તિત્વ સાથે થયેલો પ્રેમ જ સાચો પ્રેમ છે. અને વ્યક્તિત્વ જાણવા માટે સમય જોઈએ. એટલે કે, ધીરજરૂપી પાણી, હિંમતરૂપી સૂર્યપ્રકાશ અને યોગ્ય માવજત વડે જ નફરતભર્યા આ સંસારમાં પ્રેમનું પુષ્પ ખીલી શકે છે. પેલું ગીત છે ને,

                                    ધીરે ધીરે સે મેરી જ઼િંદગી મેં આના... ધીરે ધીરે સે દિલ કો ચુરાના...
એમ આ પ્રેમસંબંધોમાં ઉતાવળે કામ ન ચાલે.
            આકાંક્ષા અને ધર્મ બંને પહેલીવાર કૉલેજમાં મળ્યા હતાં. શરૂઆતમાં તો બંને ફક્ત સારા સહપાઠી જ હતાં પરંતું કૉલેજના વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં ભજવવામાં આવેલાં રોમીયો - જૂલીયટમાં બંનેએ મુખ્ય પાત્રો ભજવ્યા બાદ બંને સારાં મિત્રો બની ગયા હતાં. હવે તો રોજે એકબીજાને મળવાનું થતું. બંનેને એકબીજાની સંગત એટલી ગમતી કે કૉલેજમાં હંમેશા બંને સાથે જ જોવા મળે અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી એનો બંનેને ખ્યાલ જ ન રહ્યો. નાટકના રોમીયો-જૂલીયટ હવે અસલ જિંદગીમાં પણ રોમીયો-જૂલીયટ બની ગયાં હતાં. ન આકાંક્ષાને ધર્મ વિના ચાલતું કે ન જ ધર્મને આકાંક્ષા વિના. બંનેએ સાથે ઘણાં બધાં સ્વપ્નો પણ જોયા હતાં. પરંતું જેમ ચંદ્રને ગ્રહણ લાગી જાય એમ એમના સંબંધને પણ ગ્રહણ લાગી ગયું. ધર્મની નાનપણની મિત્ર અને તેની પોળમાં જ રહેતી મૃણાલિની તેને પહેલેથી જ ચાહતી હતી. પરંતું એણે ધર્મ સાથેની પોતાની મિત્રતા તૂટી જવાના ભયથી ક્યારેય આ વાત જાહેર થવાં જ ન દીધી. આકાંક્ષા અને ધર્મને સાથે જોઈને એના મનમાં ઈર્ષા જાગી ઉઠી. તે કોઈ પણ ભોગે ધર્મને પાછો મેળવવા ઇચ્છતી હતી. તેથી તે હંમેશા ધર્મ અને આકાંક્ષાને કોઈને કોઈ કારણોસર મળવાથી રોકતી. ધર્મ ધીરે-ધીરે આકાંક્ષાથી દૂર થઈ રહ્યો હતો. જ્યારે આકાંક્ષા મળવા માગતી ત્યારે એ કોઈને કોઈ બહાનું બનાવી દેતો અને મૃણાલિની સાથે સમય પસાર કરતો. આકાંક્ષાને મૃણાલિનીના ખરાબ ઈરાદાઓની જાણ હતી, પરંતું એને પોતાના પ્રેમ પર વિશ્વાસ હતો. આ વિશ્વાસ ત્યારે ખોટો નિવડ્યો જ્યારે એક દિવસ ખુદ ધર્મએ મૃણાલિનીના કહેવાથી આકાંક્ષા સાથેનો સંબંધ તોડી નાખ્યો. તેને મન પેલાં સ્વપ્નોની કોઈ જ કિંમત રહી ન હતી, જે તેણે આકાંક્ષા સાથે જોયા હતાં. પોતાના સ્વપ્નોનું આવું બાળમરણ જોઈ આકાંક્ષા ખૂબ રડી. તેને જીવવાની ઈચ્છા જ નહોતી રહી. તે પોતાનું જીવન ટૂંકાવી નાખવાનું નક્કી કરે છે. પરંતું આયુષી, આકાંક્ષાની નાનપણની અને સૌથી ખાસ મિત્ર તેને આમ કરતાં રોકે છે અને તેને જીવવાની નવી દિશા આપે છે.
            ઉપરની આ નાનકડી વાતમાંથી ઘણું બધું શીખવા મળે છે. પહેલું- જો કોઈને ખરેખર પ્રેમ કરતાં હોવ તો સમયસર એકરાર કરી નાખવો.કોઈપણ વ્યક્તિને સરખી રીતે જાણ્યા – સમજ્યા બાદ જો તમારા મનમાં એમના પ્રત્યે પ્રેમની લાગણી જન્મે તો એમને નિખાલસતાથી કોઈપણ આડી-અવળી હરકત કર્યાં વિના કે કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વિના સીધેસીધું કહી દો. કારણ કે જો હાની અપેક્ષા રાખશો અને ના આવશે તો મનમાં નિરાશા જન્મશે. બીજું- કોઈની સાથે પ્રેમસંબંધમાં હોવ તો એને દગો ન આપો. આજકાલના યુવાઓને આ બાબત શીખવાની ખાસ જરૂર છે. કારણ કે મેં અગાઉ કહ્યું એમ, પ્રેમ એ કોઈ સમય પસાર કરવા રમાતી રમત નથી. પરંતું જીવનપર્યંત કોઈપણ અપેક્ષા રાખ્યા વિના નિભાવાતો એક સંબંધ છે. જો સાચો પ્રેમ કર્યો હોય તો એકબીજાની પસંદ-નાપસંદ ને આદર આપો. એકબીજાની જરૂરિયાતો સમજો અને એમને પૂરી કરવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી સંબંધ મજબૂત બને છે. ત્રીજી અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે કે કોઈપણ વ્યક્તિ કે વસ્તુ આ દુનિયામાં શાશ્વત નથી. આજના મોટાભાગના યુવાનો ખાસ કરીને છોકરાંઓ, પ્રેમસંબંધ નિષ્ફળ જતાં દારૂ, બીડી કે સિગારેટના વ્યસની બની જાય છે અથવા એમ ધીમે-ધીમે નહિ તો સીધી જ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. દોસ્તો, ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે:
                     असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
                     अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ।।
અર્થાત્ હે મહાબાહો! નિ:સંદેહ મન ચંચંળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે, છત્તાં પણ હે કુંતીપુત્ર! એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે.
            જ્યારે પણ પ્રેમભંગ થાય ત્યારે આ શબ્દો યાદ કરવા. કોઈપણ ખોટું પગલું ભરતાં પહેલાં એ વાત યાદ કરવી કે મન ચંચળ હોય છે. સામેવાળી વ્યક્તિ પોતાનું ચંચળ મન સંભાળી ન શકી એ વાતની સજા પોતાને ન આપવી અને એ વ્યક્તિ જો હવે કોઈ અન્ય વ્યક્તિ સાથે ખુશ છે તો તેમની વચ્ચે અડચણ બનીને ઊભું પણ ન રહેવું. એમ સમજવું કે તમારી જ઼િંદગીમાં એ વ્યક્તિનો સાથ આટલે સુધી જ હતો. ઉર્દૂમાં એક શાયરી છે ને, वो मेरे बीना खुश है तो शीकायत कैसी? अब उसे खुश भी ना देखुँ तो मोहब्बत कैसी?
            પ્રેમભંગ બાદ ઉપરના શ્લોકમાં કહેવાયું છે તેમ પોતાના લક્ષ્ય, પોતાના માતા-પિતા, અન્ય કુટુંબીજનો, ગુરુજનોનું ચિંતન કરી મનને જૂની યાદોથી દૂર વાળવું. એ એક સંબંધને ખાતર બીજા ઘણાંબધાં મહત્ત્વપૂર્ણ સંબંઘો તૂટવા ન દેવા અથવા તો આયુષી જેવા કોઈ મિત્રના સાન્નિધ્યમાં જવું જે તમને તમારી જ્વાબદારીઓનું ભાન કરાવી શકે અને જીવન જીવવાનો નવો માર્ગ ચીંધી આપે.
            સંબંધોના તાંતણાઓ અતિનાજૂક હોય છે અને ક્યારેક આ નાજુક તાંતણાઓમાં ગૂંચ પડે છે, સખત ગૂંચ પડે છે. પરંતું તેથી તે તાણાવાણાને ઉતાવળથી કાપી નાંખવાના ન હોય. અપાર ધીરજ અને કુશળતાથી ઉદારતાપૂર્વક એ સંબંધોમાં પડેલી ગૂંચને ઉકેલવાની હોય છે, રાહ જોવાની હોય છે, જેથી સ્વજનો સાથેના સૂકોમળ સંબંધો અકબંધ રહે.
                        रहिमन धागा प्रेम का, मत तोड़ो चटकाय ।
                        तोड़े से फिर ना जुड़े, जुड़े गाँठ पड़ी जाय ।।

No comments:

Post a Comment

કવિતા - બોલાવે...

ગોધૂલિએ ગૌધનને માલધારીનો સાદ બોલાવે, આ આગ વરસાવતા આભને વસુંધરાની ફરિયાદ બોલાવે, ચાલને ભેરું એ પેલે મારગ તને તારાં ઘરની...